જામરાવલ, કલ્યાણપુર તાલુકો: ગામના લોકો માટે રાહતરૂપ બન્યો એવો નવો રોડ માત્ર બે મહિનામાં જ પોતાની હકીકત બતાવી ગયો છે. તાજેતરમાં પડેલા હળવા વરસાદમાં જ રોડની ઉપરની પરત ઊખડી ગઈ છે અને અનેક સ્થળોએ ખાડા પડી ગયા છે.
આ ઘટનાને લઈને લોકોમાં આક્રોશ છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે, “રોડનું કામ માત્ર દેખાવટ માટે કરવામાં આવ્યું હતું. માત્ર બે મહિનામાં જ જો રોડ તૂટવા લાગે તો સ્પષ્ટ છે કે તેમાં નબળું મટિરિયલ વપરાયું છે.”
રોડ ખસી રહ્યો છે, અને લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો
કેટલાક વિસ્તારોમાં તો રોડ ખસવાનું પણ નોંધાયું છે, જેના કારણે વાહનચાલકો અને પગપાળા જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે. જેમ વરસાદ શરૂ થયો તેમ ખાડાઓ દેખાવા લાગ્યા.
ગામલોકોની માંગ: ફરીથી કરો મજબૂત કામગીરી:
હવે ગામલોકો સ્પષ્ટ માંગ કરી રહ્યાં છે કે રોડનું પુન: નિર્માણ મજબૂત અને ગુણવત્તાયુક્ત રીતે કરાવવામાં આવે. તેમજ સરકારી સ્તરે તપાસ બેસાડી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય.
વીડિયો વાયરલ થતાં તંત્રની ચિંતા વધી
આ સમગ્ર ઘટના અંગે જાગૃત નાગરિક પ્રકાશ ગોરાણીયા દ્વારા રસ્તાની હાલત દર્શાવતો એક વીડિયો બનાવવામાં આવ્યો હતો, જે સોશિયલ મિડિયા પર જોરદાર રીતે વાયરલ થયો છે. લોકોએ આ વિડીયોને શેર કરી તંત્રને જવાબદારી લેવાની માંગ ઉઠાવી છે.