ખોરજમાં ₹35,000 કરોડના રોકાણ સાથે મારુતિ સુઝુકીનો નવો વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ; 12 હજારથી વધુને સીધી રોજગારી મળશે

આ મેન્યુફેક્ચરિંગ યુનિટ 1,750 એકર જમીન પર બનશે, જે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) દ્વારા ફાળવવામાં આવી છે. આટલો મોટો પ્લાન્ટ ગુજરાતમાં ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી ઊંચાઈ લાવશે એવું માનવામાં આવે છે.

Raval Update Digital Media
January 19, 2026 9:05 AM
સ્થળ: ગાંધીનગર, ગુજરાત
ગુજરાતના ખોરજ GIDCમાં ₹35,000 કરોડના રોકાણ સાથે મારુતિ સુઝુકીનો નવો વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપન કાર્યક્રમ
---Advertisement---

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં, તેમજ મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હિસાશી તાકેઉચીની વિશેષ હાજરીમાં, ખોરજ ખાતે નવા વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના માટે આજે ગાંધીનગરમાં ઇન્વેસ્ટમેન્ટ લેટર હેન્ડ-ઓવર સેરેમની યોજાઈ હતી.

આ પ્રોજેક્ટ અંતર્ગત, ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) દ્વારા ઉપલબ્ધ કરાયેલી અંદાજે 1750 એકર જમીન પર ₹35,000 કરોડના વિશાળ રોકાણ સાથે મારુતિ સુઝુકીનો નવો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે, જે રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.

દર વર્ષે 10 લાખ કારનું ઉત્પાદન, ‘Make in India – Make for the World’ને વેગ

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના વિઝનને સાકાર કરતા આ પ્રોજેક્ટ અંતર્ગત, દર વર્ષે 2.5 લાખ કારની ઉત્પાદન ક્ષમતા ધરાવતા ચાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. આ ચારેય પ્લાન્ટ મળીને કુલ 10 લાખ કાર પ્રતિ વર્ષની ઉત્પાદન ક્ષમતાનો વિશાળ ઓટોમોબાઇલ હબ વિકસાવવામાં આવશે.

12 હજારથી વધુને સીધી અને 7.5 લાખથી વધુને પરોક્ષ રોજગારી

મારુતિ સુઝુકીના આ નવા પ્લાન્ટના પરિણામે 12 હજારથી વધુ લોકોને સીધી રોજગારી મળશે. એટલું જ નહીં, પ્લાન્ટ આસપાસ એન્સીલીયરી યુનિટ્સ, MSME એકમો અને સપ્લાય ચેઇન આધારિત ઉદ્યોગો વિકસતા, આશરે 7.50 લાખથી વધુ લોકોને પરોક્ષ રોજગારીના અવસર મળશે.

આ સમગ્ર વિકાસથી ખોરજ સહિત આસપાસના વિસ્તારોમાં એક મજબૂત ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર ઉભું થશે અને ગુજરાતની ઓળખ દેશના અગ્રણી ઓટો હબ તરીકે વધુ મજબૂત બનશે.

ગુજરાત દેશનો સૌથી સ્પર્ધાત્મક ઓટોમોબાઇલ કોરિડોર બનશે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે @Maruti_Corp દ્વારા કરવામાં આવેલા આ વિશાળ રોકાણને આવકારતા જણાવ્યું હતું કે,
“આ પ્રોજેક્ટ માત્ર એક નવી ઓટોમોબાઇલ ઉત્પાદન સુવિધા નથી, પરંતુ દેશના સૌથી મોટા અને સૌથી સ્પર્ધાત્મક ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ કોરિડોરને વધુ સુદ્રઢ બનાવવાનું મહત્વપૂર્ણ પગલું છે.”

તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત–ગુજરાત–જાપાન વચ્ચેના મજબૂત સંબંધોનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, તેમની જાપાન મુલાકાત દરમિયાન સુઝુકીના CEOએ ગુજરાતને “સેકન્ડ હોમ” તરીકે ઓળખાવ્યું હતું, અને તે વિશ્વાસ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહેશે.

પોલિસી-ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતની મજબૂત ઓળખ

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે,
માનનીય વડાપ્રધાનશ્રીની દૃઢ નેતૃત્વ હેઠળ ગુજરાત આજે પોલિસી-ડ્રીવન સ્ટેટ તરીકે ઓળખાય છે. સસ્ટેનેબલ પોલિસી મેકિંગ, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ વિકાસ અભિગમને કારણે રાજ્યમાં મોટા રોકાણકારોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે.

Raval Update Digital Media

Raval Update

જામ રાવલ અપડેટ: છેલ્લા દોઢ વર્ષથી રાવલ તથા આજુબાજુ વિસ્તારોના સમાચારો આપે છે. જે તમને ક્યાંય સમાચાર જોવા ના મળે તે રાવલ અપડેટ માં જોવા મળે છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment