કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે 3.8 કરોડથી વધુના ખર્ચે હર્ષદ માતા મંદિર પરિસરના ફેઝ 1 ના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. જેમાં પ્રવાસીઓ માટે વાહન પાર્કિંગ, ટોયલેટ બ્લોક, ચિલ્ડ્રન પ્લે એરિયા, બીચ શેક સહિતની અન્ય સુવિધાઓ વિકસાવાશે.
હર્ષદમાં પ્રવાસીઓ માટે રૂ.8 કરોડથી વધુના ખર્ચે સુવિધાઓ વિકસાવાશે; ફેઝ-1ના કામોના શ્રી ગણેશ
શ્રી કૃષ્ણ અને રાજા વિક્રમાદિત્યના કુળદેવી હરસિદ્ધિ માતાના આ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. સરકારના પ્રવાસન વિભાગની સ્વદેશ દર્શન યોજના હેઠળ મંદિર પરિસરનો બે તબક્કામાં વિકાસ કરાશે. આ માટે કુલ 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે ગુજરાતમાં પ્રવાસન સ્થળોએ માળખાકીય સુવિધાઓ સુદૃઢ બનતા દેશ-વિદેશથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર મંદિર, બેટ દ્વારકા મંદિર, હરસિદ્ધિ માતા મંદિર અને બરડો ડુંગર જેવા પ્રવાસન સ્થળો લોકપ્રિય બન્યા છે.
રાજ્ય સરકાર સોમનાથથી દ્વારકા સુધીના પ્રવાસન સ્થળોને ટુરિસ્ટ સર્કિટ તરીકે વિકસાવી રહી છે. આનાથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ વધશે. જિલ્લા કલેકટર આર.એમ. તન્નાએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે.
ભાણવડમાં નવા સરકારી પુસ્તકાલયનું ખાતમુહૂર્ત
કલેકટર આર.એમ. તન્નાએ જણાવ્યું કે રાજ્ય સરકાર આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વિશેષ ધ્યાન આપી રહી છે. તેમણે ઉમેર્યું કે પુસ્તકાલય માનસિક તંદુરસ્તી માટે મહત્વપૂર્ણ છે. યુવાનો, બાળકો અને જ્ઞાનપિપાસુઓ માટે આ પુસ્તકાલય ખૂબ ઉપયોગી સાબિત થશે.
મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે ભાણવડ તાલુકામાં રૂ. 78 લાખથી વધુના ખર્ચે ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. હાલમાં તાલુકા સેવા સદન ખાતે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે પુસ્તકાલય કાર્યરત છે.