Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાવલ ખાતે યોજાયેલા “રાવલ બોલે છે” કાર્યક્રમમાં ભાજપ શાસિત રાવલ નગરપાલિકાના 10 જેટલા અગ્રણી નેતા અને તેમના સમર્થકો કોંગ્રેસમાં જોડાયા, જેનાથી ભાજપને મોટો ફટકો પડ્યો છે. આ કાર્યક્રમમાં ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ, AICCના મંત્રી ઋત્વિક મકવાણા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ શાસનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો
કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓએ રાવલ નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયાએ આરોપ લગાવ્યો કે, રાવલ નગરપાલિકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે.
તેમણે ભાજપ સરકાર તથા તંત્ર પર ચાબખા મારતા જણાવ્યું હતું કે, દર વર્ષે રાવલ શહેર વરસાદી પુરનો સામનો કરે છે. ગયા વર્ષે આવેલા પૂરમાં નગરપાલિકા પાસે એક પણ હોડી ન હોવાથી એક દીકરીએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે, તંત્રે બાંહેધરી આપી હતી કે આવતા વર્ષ વરસાદી સીઝન પહેલાં હોડીની વ્યવસ્થા કરાશે છતાં હજુ સુધી હોડીની વ્યવસ્થા નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાવલ નગરપાલિકામાં કોંગ્રેસના સમયમાં બનેલા સારા રોડ તોડીને પેવર બ્લોક નાખવામાં આવ્યા અને પછી પેવર બ્લોક તોડીને ફરી ભ્રષ્ટાચારયુક્ત રોડ બનાવી દેવામાં આવ્યા છે, જેમાં ડામર કે સિમેન્ટ શોધી જડે તેમ નથી.
આ ઉપરાંત પણ કેટલાક ગંભીર મુદ્દાઓ ઉઠાવતાં તેમણે જણાવ્યું હતું કે, રાવલ નગરપાલિકામાં ગટરો ઉભરાય છે, રાવલ નગરપાલિકા પાસે કાયમી ચીફ ઓફીસર નથી, કાયમી સ્ટાફમાં એક માણસ નથી. સફાઈ કામદારોના પગાર અને કર્મચારીઓના PF પણ આ ભ્રષ્ટાચારી શાસકો ખાઈ જાય છે. દલિત સમાજની ગ્રાન્ટમાં પણ ભ્રષ્ટાચાર થાય છે.
રાવલ નગરપાલિકાના હનુમાન ધાર, બારીયા ધાર વિસ્તારમાં એકપણ હાઇસ્કૂલ નથી. જેથી હજારો દીકરીઓએ આગળનું ભણતર અધૂરું મૂકવું પડે છે. એટલું જ નહિ JCBનું પ્રતિ કલાકનું ભાડું ₹850 હોવા છતાં ₹2500 બિલમાં દર્શાવવામાં આવે છે. આવો તો અનેક પ્રશ્નો છે.
કોંગ્રેસમાં જોડાયેલા ભાજપના અગ્રણી નેતાઓ
ભાજપના શાસનથી કંટાળીને અને કોંગ્રેસની કામગીરીથી પ્રભાવિત થઈને આ આગેવાનોએ કોંગ્રેસનો હાથ થામ્યો હતો. કોંગ્રેસમાં જોડાયેલા મુખ્ય નેતાઓ અને તેમની ભૂમિકા નીચે મુજબ છે:
- વાલાભાઈ દુદાભાઈ પરમાર: ત્રણ ટર્મ નગરપાલિકા પ્રમુખ (ભાજપ)
- રાણાભાઈ બાબુભાઈ ગામી: પૂર્વ ભાજપ શહેર પ્રમુખ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને વર્તમાન સભ્ય
- દિનેશ જાદવ: ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ
- સંજય મકવાણા: ભાજપ SC મોરચા પ્રમુખ
- મોહન રાજસીભાઈ વાઘેલા: નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ
- ડાયાભાઈ બારિયા, રામસી જાદવ, ઘેલાભાઈ ગામી, મોહન જાદવ: કોળી સમાજના અગ્રણી નેતાઓ
આ તમામ નેતાઓને પૂંજાભાઈ વંશ, ઋત્વિક મકવાણા, સારાબેન મકવાણા અને પાલ આંબલિયા સહિતના કોંગ્રેસના આગેવાનોએ ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ જોડાણથી રાવલ નગરપાલિકાના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે.











